"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

લોકગીત-લગ્નગીત

થોડાક લોકગીત પછી લગ્નગીત છે અને વાળી પાછા લોકગીત છે......માણો અને મઝા કરો...








સવા બશેરનું મારું દાતરડું લોલ
ઘડ્યું ઓલા લાલિયા લુહારે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ
મેં રે વાઢ્યા છે દશ-વીશ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ
હું રે ઊભીતી વનવાટ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ
વીરા મુને ભારો ચડાવ્ય રે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યાને આવી પાલી જારડી રે લોલ
મારે આવેલ માણું ઘઉં
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ
મેં રે જમાડ્યો મારો વીરો
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ


મોરલી તે ચાલી રંગ રૂસણે રે

મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી

એને સસરો મનાવવા જાય રે રંગ મોરલી
સસરાની વાળી હું તો નહીં રે વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી

મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી

એને જેઠ મનાવવા જાય રે રંગ મોરલી
જેઠની વાળી હું તો નહીં રે વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી

મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી

એને પરણ્યો મનાવવા જાય રે રંગ મોરલી
પરણ્યાની વાળી હું તો ઝટ વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે સાસર જઈશ રંગ મોરલી

મોરલી તે ચાલી રંગ રૂસણે રે
મોરલી તે ચાલી રંગ રૂસણે રે

સ્વરઃ આશા ભોસલે


મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ (2)
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે.
જનનીનીo
 અમી ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલના ભરેલ એના વેણ રે.
જનનીનીo
 હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમ કેરી હેલ રે.
જનનીનીo
 દેવોને દુધ એના દોહલા રે લોલ,
શશીએ સીંચેલ એની સોડ રે.
જનનીનીo
 જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈક ભર્યા કોડ રે.
જનનીનીo
ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે.
જનનીનીo
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લ્હાણ રે.
જનનીનીo
ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે.
જનનીનીo
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે.
જનનીનીo
વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીનીo
ચડતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીનીo

 રૂડી ને રંગીલી

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

કેડો મેલો પાતળિયા ભગવાન જો
સાસુડી હઠીલી મારી નરદમ મેણાં બોલશે રે લોલ

વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ



વનમાં બોલે ઝીણા મોર
 
વનમાં બોલે ઝીણા મોર
કોયલરાણી કિલોળ કરે રે લોલ !
ઝીણા ઝરમર વરસે મેહ
વાદલડી વાયે વળે રે લોલ !
 
બેની મારો ઉતારાનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !
 
બેની મારો દાતણનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !
 
બેની મારો નાવણનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !
 
બેની મારો ભોજનનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !
 
બેની મારો પોઢણનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !


માથે મટુકી મહીની ગોળી

માથે મટુકી મહીની ગોળી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
મારા શ્યામ મુજને હરિ વાલા
મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને સસરાજી મળિયા હો
મને લાજું કાઢવાની ઘણી હામ રે ગોકુળમાં
મારા શ્યામ મુજને હરિ વાલા
મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને સાસુજી મળિયા
મુને પગે પડવાની ઘણી હામ રે ગોકુળમાં
મારા શ્યામ મુજને હરિ વાલા
મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને જેઠજી મળિયા
મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં
મારા શ્યામ મુજને હરિ વાલા
મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા
મુને ઠેકડી કરવાની ઘણી હામ રે ગોકુળમાં
મારા શ્યામ મુજને હરિ વાલા
મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા
મુને ઠેકડી કરવાની ઘણી હામ રે ગોકુળમાં
મારા શ્યામ મુજને હરિ વાલા
મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને દેરજી મળિયા
મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં
મારા શ્યામ મુજને હરિ વાલા
મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને નણદી મળિયા
મુને માથું ગૂંથ્યાની ઘણી હામ રે ગોકુળમાં
મારા શ્યામ મુજને હરિ વાલા
મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને પરણ્યોજી મળિયો
મુને મોઢું મલકાવવાની ઘણી હામ રે ગોકુળમાં
મારા શ્યામ મુજને હરિ વાલા
મારા શ્યામ મુજને હરિ વાલા

સ્વરઃ ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવે 

  
   ૧પરથમ ગણેશ બેસાડો રે   (ગણેશ સ્થાપના-૧)
   ૨પરથમ ગણેશ બેસાડો રે   (ગણેશ સ્થાપના-૨)
   ૩વાગે છે વેણુ  (ગણેશમાટલીનું ગીત)
   ૪ગણેશ પાટ બેસાડિયે   (સાંજીનું ગીત)
   ૫કોયલ બેઠી આંબલિયાની ડાળ   (સાંજીનું ગીત)
   ૬નગર દરવાજે સાંઢણી ઝોકારો  (સાંજીનું ગીત)
   ૭એક ઊંચો તે વર ના જોશો રે દાદા   (સાંજીનું ગીત)
   ૮નવે નગરથી જોડ ચુંદડી   (સાંજીનું ગીત)
   ૯લાડબાઈ કાગળ મોકલે  (સાંજીનું ગીત)
 ૧૦તમે રાયવર વહેલાં આવો રે  (સાંજીનું ગીત)
 ૧૧દાદા એને ડગલે ડગલે  (સાંજીનું ગીત)
 ૧૨બાગમાં છંટાવો કાજુ કેવડો  (સાંજીનું ગીત)
 ૧૩બે નાળિયેરી  (સાંજીનું ગીત)
 ૧૪નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે  (સાંજીનું ગીત)
 ૧૫ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે  (સાંજીનું ફટાણું)
 ૧૬ભાદર ગાજે છે  (સાંજીનું ફટાણું)
 ૧૭વાણલાં ભલે વાયાં  (પ્રભાતિયું)
 ૧૮લીલુડા વનનો પોપટો  (પ્રભાતિયું)
 ૧૯હેતે લખિયે કંકોતરી રે લોલ  (કુળદેવીને નિમંત્રણ)
 ૨૦સોના વાટકડીમાં કંકુ ઘોળાવો  (લગન લખતી વખતે)
 ૨૧કંકુ છાંટી કંકોતરી મોકલો   (લગન લખતી વખતે)
 ૨૨કંકુ છાંટી કંકોતરી મોકલી   (માણેકથંભ રોપતી વખતે)
 ૨૩મારો માંડવો રઢિયાળો   (મંડપ મૂરત)
 ૨૪મોટા માંડવડા રોપાવો   (મંડપ મૂરત)
 ૨૫લીલા માંડવા રોપાવો   (મંડપ મૂરત)
 ૨૬વધાવો રે આવિયો   (ચાક વધાવવાનું ગીત)
 ૨૭ઓઝો-ઓઝી  (ચાક વધાવવાનાં અન્ય ગીત)
 ૨૮વરને પરવટ વાળો  (ફુલેકાનું ગીત)
 ૨૯વર છે વેવારિયો રે   (કન્યાપક્ષે માળારોપણ)
 ૩૦મોતી નીપજે રે  (વરપક્ષે માળારોપણ)
 ૩૧પીઠી ચોળોને પંચકલ્યાણી  (પીઠીનું ગીત)
 ૩૨પાવલાંની પાશેર  (પીઠીનું ગીત)
 ૩૩પીઠી ચોળો રે પીતરાણી  (પીઠીનું ગીત)
 ૩૪મોસાળા આવિયા  (મોસાળું)
 ૩૫લીલુડા વાંસની વાંસલડી  (જાન પ્રસ્થાન)
 ૩૬રાય કરમલડી રે  (જાન પ્રસ્થાન)
 ૩૭વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો  (જાન પ્રસ્થાન)
 ૩૮શુકન જોઈને સંચરજો રે  (જાન પ્રસ્થાન)
 ૩૯સાઈકલની સીટી વાગી વરરાજા   (વરની હઠ)
 ૪૦ધીમી ધીમી મોટર હાંકો   (જાનમાં ગવાતું ગીત)
 ૪૧વરરાજે સીમડી ઘેરી માણારાજ  (જાનમાં ગવાતું ગીત)
 ૪૨વર તો પાન સરીખા પાતળા  (જાન પહોંચે ત્યારે ગવાતું ગીત)
 ૪૩બારે પધારો સોળે હો સુંદરી  (વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ)
 ૪૪સીતાને તોરણ રામ પધાર્યા  (વરરાજાને પોંખતી વખતનું ગીત)
 ૪૫હળવે હળવે પોંખજો રે લટકાળી  (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)
 ૪૬મારા નખના પરવાળા જેવી  (ચુંદડી ઓઢાડતી વખતે ગવાતું ગીત)
 ૪૭દૂધે તે ભરી રે તળાવડી  (માયરાનું ગીત)
 ૪૮કેસરિયો જાન લાવ્યો  (માંડવાનું ગીત)
 ૪૯નાણાવટી રે સાજન બેઠું માંડવે  (માંડવાનું ગીત)
 ૫૦વીરો મારો ઝગમગ ઝગમગ થાય  (માંડવાનું ગીત)
 ૫૧માયરામાં ચાલે મલપતા મલપતા  (કન્યાની પધરામણી)
 ૫૨કે'દુના કાલાંવાલાં  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૩ઘરમાં નો'તી ખાંડ  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૪રેલગાડી આવી  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૫મારી બેનીની વાત ન પૂછો  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૬એકડો આવડ્યો  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૭અણવર લજામણો રે  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૮અણવર અવગતિયા  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૯ગોર લટપટિયા  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૬૦ઢોલ ઢમક્યા ને  (હસ્તમેળાપ સમયે વરપક્ષે)
 ૬૧હાથ કન્યાનો હેતે ઝાલો  (હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે)
 ૬૨પહેલું પહેલું મંગળિયું વરતાય રે  (સપ્તપદી)
 ૬૩લાડો લાડી જમે રે  (કંસાર)
 ૬૪આ વર-કન્યાનું સુંદર જોડું  (આશીર્વાદ)
 ૬૫પરણ્યા એટલે પ્યારા લાડી  (નવવધુને આવકાર)
 ૬૬આલા તે લીલા વનની વાંસલડી  (કન્યા વિદાય)
 ૬૭આ દશ આ દશ પીપળો  (કન્યા વિદાય)
 ૬૮ચાલોને આપણે ઘેર રે  (વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)
 ૬૯અમે રે લીલુડા વનની ચરકલડી  (કન્યા વિદાય)
 ૭૦પરદેશી પોપટો  (કન્યા વિદાય)
 ૭૧લાલ મોટર આવી  (નવવધુને નિમંત્રણ)
 ૭૨અમે ઈડરિયો ગઢ જીત્યા  (નવવધુ આગમન)

 

મારું વનરાવન છે રૂડું 
 
      મારું વનરાવન છે રૂડું
     વૈકુંઠ નહિ રે આવું
      મારું વનરાવન છે રૂડું
     વૈકુંઠ નહિ રે આવું
 
      નહિ આવું વાં નંદજીના લાલ રે
     વૈકુંઠ નહિ રે આવું
 
     બેસીને રેવું  ને  ટગ ટગ જોવું
     બેસીને રેવું  ને  ટગ ટગ જોવું
     નહિ ખાવું કે મારે નહિ રે પીવું
      નંદજીના લાલ રે
     વૈકુંઠ નહિ રે આવું
 
     કે મારું વનરાવન છે રૂડું
     વૈકુંઠ નહિ રે આવું
 
     સરગના લોક તો છે અતિ કૂડાં
     સરગના લોક તો છે અતિ કૂડાં
     વાંથી વ્રજના ચોક મારે રૂડાં
      નંદજીના લાલ રે
     વૈકુંઠ નહિ રે આવું
 
      મારું વનરાવન છે રૂડું
     વૈકુંઠ નહિ રે આવું
 
      રે વિશે બે નોળિયા હતાં જો
      રે વિશે બે નોળિયા હતાં જો
     એને સતવર મેલ્યા જો ને કાઢી
      નંદજીના લાલ રે
     વૈકુંઠ નહિ રે આવું
 
      મારું વનરાવન છે રૂડું
     વૈકુંઠ નહિ રે આવું
 
      સરગથી જો ને અમને સોહામણું
     અમને માનવને  મૃત્યલોક રે
     પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
     વળી પાછો મરણ વિજોગ

સ્વરઃ હેમુ ગઢવી અને સાથીદારો

દાદા હો દીકરી, દાદા હો દીકરી

 
 
દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં  દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
 
દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી 
દાદા હો દીકરી, દાદા હો દીકરી
 
ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
 
ઘડો  બુડે મારો, ઘડો  બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
 
ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
 
કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
 
કૂવે  પડજો દીકરી, કૂવે  પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
 
કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
 
કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી




તેજમલ ઠાકોર

ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યાં રે
રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યાં રે

કાકો વાંચે ને દાદો રહ રહ રુવે રે
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે

શીદને રુવો છો દાદા શું છે અમને કહો ને રે
દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે

સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કહેવાણો રે
હૈયે હિમ્મત રાખો દાદા અમે વહારે ચડશું રે

માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે
માથાનો અંબોડો દાદા મોળીડામાં રહેશે રે

કાનનાં અકોટા તેજમલ અછતાં કેમ રહેશે રે
કાનનાં અકોટા દાદા બોકાનામાં રહેશે

હાથનાં ત્રાજવા તેજમલ કેમ અછતાં રહેશે રે
હાથનાં ત્રાજવા દાદા બાંયલડીમાં રહેશે રે

પગનાં ત્રાજવા તેજમલ કેમ અછતાં રહેશે રે
પગનાં ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે

દાંત રંગાવેલ તેજમલ અછતાં કેમ રહેશે રે
નાના હતાં ત્યારે મોસાળ ગ્યાં'તાં રે
ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે

નાક વીંધાવેલ તેજમલ અછતાં કેમ રહેશે રે
અમારી માતાને અમે ખોટનાં હતાં રે
 નાનાં હતાં તે દિ' નાક વીંધાવ્યાં રે

ચલો મારા સાથી આપણે સોનીહાટ જઈએ રે
સોનીહાટે જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એનાં બેરખડે મન મો'શે રે
અસતરી હશે તો એનાં ઝૂમણલે મો'શે રે

સંધા સાથીડાએ ઝૂમણાં મૂલવિયાં રે
તેજમલ ઠાકોરિયાએ બેરખાં મૂલવિયાં રે

ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે
વાણીહાટે જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એનાં પાઘડીએ મન મો'શે રે  
અસતરી હશે તો એનાં ચૂંદડીએ મન મો'શે રે

સંધા સાથીડાએ ચૂંદડિયું મૂલવિયું રે
તેજમલ ઠાકોરિયાએ મોળીડાં મૂલવિયાં રે

ચાલો મારા સાથી આપણ સંઘેડા હાટે જઈએ રે
સંઘેડાં હાટે જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એનાં ઢોલિયે મન મો'શે રે  
અસતરી હશે તો એનાં ચૂડલે મન મો'શે રે

સંધા સાથીડાએ ચૂડલા મૂલવિયાં રે
તેજમલ ઠાકોરિયાના ઢોલિયે મન મોયાં રે

ચાલો મારા સાથીઓ દરિયે ના'વા જઈએ રે
દરિયા કાંઠે જઈ અસતરી પારખીએ રે

પુરુષ હશે તો દરિયો ડો'ળી ના'શે રે
અસતરી હશે તો કાંઠે બેસી ના'શે રે

સંધા સાથીડા તો કાંઠે બેસી ના'યા રે
તેજમલ ઠાકોરિયો તો દરિયો ડો'ળી ના'યો રે

ચાલો મારા સાથી આપણ લશ્કરમાં જઈએ રે
લશ્કરમાં જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો સામે પગલે ધાશે રે
અસતરી હશે તો પાછે પગલે ખસશે રે

તેજમલ ઠાકોરે જુદ્ધમાં પહેલો ઘા દીધો ને
સૌ સાથીડાં એની પાછળ ધાયાં રે

દળકટક વાળી તેજમલ ઘરે પધાર્યા રે
દાદે ને કાકે એને મોતીડે વધાવ્યાં રે



તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
હે…. જો ને પાંચ વેંતની પૂતળી અને મુખ લોઢાના જો ને દાંત
હે…. નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર
ધીન-ધાક ધીન-ધાક રંગ-રંગીલું સાંબેલું
ધીન-ધાક ધીન-ધાક છેલ-છબીલું સાંબેલું
તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી…….
અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી……
તમને કિયા તે ગોરી ગમશે રાજ
અચકો મચકો કાં રે લી……
જે રંગે અમારી રમશે રાજ
અચકો મચકો કાં રે લી……



ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં,
એ લેરીડા! (લહેરીડા) હરણ્યું આથમી રે હાલાર શેરમાં, અરજણિયા !
ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી ઝૂંપડી,
એ લેરીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યો રે, અરજણિયા !
ભેસું તારી ભાલમાં, ઘાયલ ! રે ભેસું તારી ભાલમાં,
એ લેરીડા! પાડરું પાંચાળમાં ઝોલાં ખાય રે, અરજણિયા !
ગાયું તારી ગોંદરે, ઘાયલ ! ગાયું તારી ગોંદરે,
એ લેરીડા! વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે, અરજણિયા !
પાવો વગાડ્ય મા, ઘાયલ ! રે પાવો વગાડ્ય મા,
એ લેરીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે,અરજણિયા !
ચીતું રે લગાડ્ય મા, ઘાયલ ! ચીતું લગાડ્ય મા,
એ લેરીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા !
બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ ! રે બખિયાળું કડીઉં,
એ લેરીડા! તેદુંનો છાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા!
ખંભે તારે ખેસડો, ઘાયલ ! રે ખંભે તારે ખેસડો,
એ લેરીડા! તેદુનો છાંડેલ અમારો નેસડો રે, અરજણિયા !
રૂપાળીને મોઇશ મા, ઘાયલ ! રે રૂપાળીને મોઇશ મા,
એ લેરીડા! રૂપાળી બાવડાં બંઘાવશે રે, અરજણિયા !
કુંવારીને મોઇશ મા ઘાયલ ! કુંવારીને મોઇશ મા,
એ લેરીડા! કુંવારી કોરટું દેખાડશે રે, અરજણિયા !
ખોળામાં બાજરી ઘાયલ ! રે ખોળામાં બાજરી,
એ લેરીડા! લીલી લીંબડીએ લેવાય હાજરી રે, અરજણિયા !
ખોળામાં ખજૂર છે ઘાયલ ! રે ખોળામાં ખજૂર છે,
એ લેરીડા! તારા જેવા મારે મજૂર છે રે, અરજણિયા !
પાવો વગાડ્ય મા, ઘાયલ ! રે પાવો વગાડ્ય મા,
એ સેલુડા ! પાવો સાંભળીને પ્રાણ વીંઘાય રે, અરજણિયા !
તારે મારે ઠીક છે, ઘાયલ ! રે તારે મારે ઠીક છે,
એ લેરીડા ! ઠીકને ઠેકાણે વેલો આવજે રે, અરજણિયા !
લીલો સાહટિયો, ઘાયલ ! રે લીલો સાહટિયો,
એ લેરીડા! લીલે રે સાહટિયે મોજું માણશું રે, અરજણિયા!

 
 
ગુલાબી કેમ કરી જાશો
 
     આભમાં ઝીણી ઝબૂકે વીજળી
     ઝીણા ઝરમર વરસે મેહ
     ગુલાબી કેમ કરી જાશો ચાકરી
 
     ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે
     ભીંજાય હાથીને બેસતલ સૂબો
     ગુલાબી કેમ કરી જાશો ચાકરી
 
     ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
     ભીંજાય મેડીની બેસતલ રાણી
     ગુલાબી કેમ કરી જાશો ચાકરી
 
     તમને વહાલી તમારી ચાકરી
     અમને વહાલો તમારો જીવ
     ગુલાબી નહિ જવા દઉં ચાકરી




એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..
એક સરોવર પાળે આંબલિયો
આંબલિયે ઝૂલતી ડાળ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..
એક આંબા ડાળે કોયલડી
એનો મીઠો મીઠો સાદ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..
એક નરને માથે પાઘલડી
પાઘડીયે ફૂમતા લાલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..
એક ભાલે કંકુ ચાંદલિયો
એના રાતા રાતા તેજ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

 
 
 
 
 આવડા મંદિરમાં હું તો એકલી
 
આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ
આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ
 
કેમ કરી મારા દઃખના દા'ડા જાય જો આ
પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ
 
કેમ કરી મારા દઃખના દા'ડા જાય જો આ
પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ
 
તમારે પરમાર સૈંયર સામટી રે લોલ
રે'જો તમો રાજું કેરી રીત જો
પંડડા રે'શે તો પાછા પૂગશું રે લોલ
 
અમારા રે પંડડા રહેશે તો પાછા પૂગશું રે લોલ
 
આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ
 
ઘરમાં સાસુ ને નણંદ દોહ્યલાં રે લોલ
મહિયરની લાંબડી છે વાટ જો આ
પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ
 
તમારે પરમાર સૈંયર સામટી રે લોલ
રે'જો તમો વહુઆરુની રીત જો
આ પંડડા રે'શે તો પાછા પૂગશું રે લોલ
 
અમારા રે પંડડા રહેશે તો પાછા પૂગશું રે લોલ
 
આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ
કેમ કરી મારા દઃખના દા'ડા જાય જો આ
પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ
 
આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ
અમારા રે પંડડા રહેશે તો પાછા રે પૂગશું રે લોલ




આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
 ધણણણ ડુંગરા બોલે.
 શિવાજીને નીંદરું નાવે
 માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામલખમણની વાત
 માતાજીને મુખ જે દીથી,
 ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
 કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
 સૂવાટાણું ક્યાંય રહેશે….શિવાજીને

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
 રહેશે નહીં, રણઘેલુડા !
 ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને

પ્હેરીઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર
 કાયા તારી લોહીમાં ન્હાશે :
 ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ
 તે દી તારે હાથ રહેવાની
 રાતી બંબોળ ભવાની….શિવાજીને

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય
 તે દી તો સિંદોરિયા થાપા
 છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ
 તે દી તારાં મોઢડાં માથે
 ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર
 તે દી કાળી મેઘલી રાતે
 વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ
 તે દી તારી વીરપથારી
 પાથરશે વીશભુજાળી……શિવાજીને

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય
 તે દી તારે શિર ઓશીકાં
 મેલાશે તીર- બંધૂકા….શિવાજીને

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ
 જાગી વ્હેલો આવ, બાલુડા !
 માને હાથ ભેટ બંધાવા….શિવાજીને

જાગી વ્હેલો આવજે, વીરા !
 ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું નાવે
 માતા જીજાબાઇ ઝુલાવે.
 બાળુડાને માત હીંચોળે
 ધણણણ ડુંગરા બોલે.


આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર 

 આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે

ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે

ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો
દહીં - દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે

લવિંગ - લાકડી ઇ તો અમારો દેર જો
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે

જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે

પારસ પીપળો ઇ તો અમારો ગોર જો
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે

ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે





અધમણ સોનું ને અધમણ રૂપું;
                  તેનો ઘડાયો ફૂલવેંઝણો રે !
વેંઝણો મેલીને અમે જલપાણી જ્યાં’તાં;
                             નાના દિયરિયે સંતાડ્યો ફૂલવેંઝણો રે !


કાંતો દિયર ! તમને હાથીડા લઇ આલું;
                આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારા હાથીડા ભોજાઈ ! ચઢતાં ન આવડે;
             નથી લીધો, ફૂલવેંઝણો રે !

કાંતો દિયર ! તમને ઘોડીલા લઇ આલું;
            આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારા ઘોડીલા ભોજાઈ ! ખેલતાં ન આવડે;
            નથી લીધો, ફૂલવેંઝણો રે !

કાંતો દિયર ! તમને ધોરીડા લઇ આલું;
             આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારા ધોરીડા ભોજાઈ ! હાંકતાં ન આવડે;
            નથી લીધો, ફૂલવેંઝણો રે !

કાંતો દિયર ! તમને વેલડીયો લઇ આલું;
               આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારી વેલડીયો ભોજાઈ ! જોડતાં ન આવડે;
            નથી લીધો, ફૂલવેંઝણો રે !

કાંતો દિયર ! તમને જોટડીયો લઇ આલું;
             આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારી જોટડીયો ભોજાઈ ! દો’તાં ન આવડે;
             નથી લીધો, ફૂલવેંઝણો રે !

કાંતો દિયર ! તમને બેની પરણાવું;
            આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારી બેની ભોજાઈ ! હરખે પરણાવો;
            સામો પડ્યો ફૂલવેંઝણો રે !


અમારો હતો એ અમને રે આલ્યો !
               તમને પરણાવું કાળી કૂતરી રે !





ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
ભીંતે ઝૂએ છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
મારા બાપુને, બેન બે બે કુંવરિયા
બે વચ્ચે પાડયા છે ભાગ:
હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટે ઝુલે રે.
મોટે માગી છે મોલ મેલાતો વાડીઓ
નાને માંગી છે તલવાર વીરાજી.
મોટો માલે છે મોલ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર વીરાજી.
મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ
નાનેરો ઘોડો અસવાર વીરાજી.
મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ વીરાજી
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર વીરાજી
મોટો મઢાવે વેઢે વીંટીને હારલા
નાનો સજાવે તલવાર વીરાજી.
મોટાને સોહે હીર-જરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ વીરજી
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર વીરાજી
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતા
નાનેરો ઝીંકે છે ઘાવ વીરાજી.
મોટે રે માડી, તારી કૂખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર વીરજી.
મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય વીરાજી.
ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર

  1. બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
          – ઝવેરચંદ મેઘાણી
તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે..
આવકારો મીઠો આપજે રે જી..
તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે..
બને તો થોડાં કાપજે રે જી..
માનવીની પાસે કોઈ, માનવી ન આવે રે..
તારા દિવસો દેખીને દુનિયા આવે તો..
આવકારો મીઠો આપજે રે જી..
કેમ તમે આવ્યા છો? એવું નવ પૂછજે રે..
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો આપજે રે જી..
વાતું એની સાંભળીને, આડું નવ જોજે રે..
એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો આપજે રે જી..
કાગએને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે..
એને ઝાંપા રે સુધી તું મેલવાને જાજે રે..
આવકારો મીઠો આપજે રે જી..
  1.  
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીરાં તું ગિરધર મારો
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;
જોજે વિખાય નહીં શમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?!
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… 






અલ્લાલા બેલી
        અલ્લાલા બેલી
        અલ્લાલા બેલી
 
        ના છડિયા હથિયાર
        અલ્લાલા બેલી
        ના છડિયા હથિયાર
        મરણે જો હકડીવાર
        દેવોભા ચેતો
        ના છડિયા હથિયાર
        મૂળુભા બંકડા
        ના છડિયા હથિયાર
 
        પેલો ધીંગાણો
        પીપરડી જો કિયો
        ઉતે કીને ન ખાધી માર
        કીને ન ખાધી માર
        દેવોભા ચેતો
        કીને ન ખાધી માર
        મૂળુભા બંકડા
        ના છડિયા હથિયાર
 
        હેબટ લટૂરજી મારું રે
        ચડિયું બેલી
        ઝલ્લી માછરડેજી ધાર
        ઝલ્લી માછરડેજી ધાર
        દેવોભા ચેતો
        ઝલ્લી માછરડેજી ધાર
        મૂળુભા બંકડા
        ના છડિયા હથિયાર
 
        જોટો   સ્કૂલ    હણે
        છાતીએ ચડાયો નાર
        હેબટ લટૂર મુંજો ઘા
        દેવોજી ચેતો
        હેબટ લટૂર મુંજો ઘા
        મૂળુભા બંકડા
        ના છડિયા હથિયાર
 
        ડાબે    તે   પડખે
        ભૈરવ બોલે જુવાનો
        ધીંગાણે મેં
        લોહેંજી ઘમસાણ
        દેવોજી ચેતો
        લોહેંજી ઘમસાણ
        મૂળુભા બંકડા
        ના છડિયા હથિયાર
 
        અલ્લાલા બેલી
        અલ્લાલા બેલી